BAR council of INDIA:બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ભલામણ : પાંચ માર્ક્સ ઓછા હોવાના કારણે નાપાસ થયેલ ધારાશાસ્ત્રીઓને ગ્રેસિંગ આપી નવું રિઝલ્ટ જાહેર કરવા અપીલ
મોરબી : બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની પરીક્ષા આપનાર ધારાશાસ્ત્રીઓને પાંચ માર્કસનું ગ્રેસીગ આપી રીઝલ્ટ આપવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા ભલામણ કરવામાં આવી છે.
BAR council of INDIA
જેમાં જણાવાયુ છે કે સને ૨૦૧૦થી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કોઈપણ સ્ટેટ બાર કાઉન્સિલમાં નોંધાયેલા ધારાશાસ્ત્રીએ દેશની કોઈપણ અદાલતમાં વકીલાત કરવી હોય તો ઓલ ઇન્ડિયા બાર એકઝામ પાસ કરવી ફરજીયાત કરેલ છે. અને સને ૨૦૧૦ થી અત્યારસુધી ૧૮ વાર આ પરીક્ષા લેવામા આવેલ છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા લેતી કંપની દ્વારા આ પરીક્ષા લેવામા આવે છે. ૨૦ કાયદાઓ ઉપર ૧૧ ભાષામાં આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા શરૂઆતના સમયમાં માત્ર બીજી વારની પરીક્ષા સુધી કંપની દ્વારા પરીક્ષાલક્ષી મટીરીયલ્સ આપવામાં આવતુ હતુ. ત્યારબાદ પરીક્ષામાં બેસનાર ધારાશાસ્ત્રીઓને પરીક્ષાલક્ષી મટીરીયલ આપવાનુ બંધ કરવામાં આવેલ છે.
આ પરીક્ષામાં અત્યારસુધી માત્ર ૪૦ માર્કસ મેળવવાનું ફરજીયાત હતુ. પરંતુ આ ૧૮મી વારની પરીક્ષામા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પરીક્ષા આપનાર ધારાશાસ્ત્રીઓએ ૪૫ માર્કસ લાવવાનું ફરજીયાત કરવામાં આવેલ હતું. મળતી માહિતી મુજબ 100 માર્કસના પરીક્ષા-પેપરમાં ૭ સવાલોમા ટેકનીકલ ભુલ હોવાને કારણે ૯૩ માર્કસમાંથી ૪૨ માર્કસ લાવવાના ફરજીયાત કરવામાં આવેલ. પરંતુ પરીક્ષાલક્ષી મટીરીયલ ન મળવાને કારણે તેમજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા પરીક્ષા લેવામાં વધુ સમયગાળો પસાર કરવાને કારણે આ વખતે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા લેવામા આવેલ પરીક્ષાના પરિણામ પર મોટી અસર જોવા મળેલ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ સંજોગોવશાત સફળ થઈ શકેલ નહિ.
જેને કારણે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, વાઇસ-ચેરમેન મુકેશ સી. કામદાર, એકઝીક્યુટીવ કમિટીના ચેરમેન નલિન ડી.પટેલ તથા સભ્ય અનિલ કેલ્લા સહિતનાઓ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને એક ઇમેઇલ દ્વારા જે વિધાર્થીઓ પાંચ માર્કસ સુધી ઓછા મેળવવાને કારણે નાપાસ જાહેર કરવામાં આવેલ છે. તેવા વિધાર્થીઓને પાંચ માર્કસ ગ્રેસીંગ આપવા માટે ધારાશાસ્ત્રીઓના ભાવિના હિતને લક્ષમાં રાખી યોગ્ય નિર્ણય લેવા માટે તાકીદે જાણ કરેલ છે. તેમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઇન્ચાર્જ સેક્રેટરી સિદ્ધિ ડી.ભાવસારની યાદીમાં જણાવાયું છે.