UPSC ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર માસમાં લેખિત અને જાન્યુઆરીમાં યોજાયેલા પર્સનલ ઇન્ટરવ્યૂને આધારે આ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં 1016 ઉમેદવાર ઉત્તીર્ણ થયા છે. એમાં ટોપ 100માંથી ત્રણ ગુજરાતીનો સમાવેશ થાય છે, જ્યારે જનરલ કેટગરીમાં 347, EWS કેટેગરીમાં 115, OBCમાં 303, SCમાં 165 અને STમાં 86 ઉમેદવાર પાસ થયા છે તેમજ 1016 ઉમેદવારમાંથી કુલ 25 ગુજરાતી ઉમેદવાર UPSC ક્લિયર કરવામાં સફળ થયા છે. આમ, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર 25 ઉમેદવાર પાસ થયા છે. આ પહેલાં 2014માં 22 ઉમેદવાર સફળ રહ્યા હતા, જેનો રેકોર્ડ તૂટી ગયો છે. જ્યારે આ પરીક્ષામાં પાટીદારોનો પાવર જોવા મળ્યો છે અને 8 ઉમેદવારે UPSCમાં મેદાન માર્યું છે.
આ 25 ગુજરાતીમાંથી 5 યુવતી યુપીએસસી ક્લિયર કરવામાં સફળ રહી છે, જેમાં ઠાકુર અંજલિ અજય, ઝા સમીક્ષા, કંચન મનીષભાઈ ગોહિલ, ઘાંચી ગઝાલા અને મીણા માનસીનો સમાવેશ થાય છે. એમાં પણ કંચન ગોહિલ તો ખેડૂતની દીકરી છે અને તેમની માતાને તો લખતા કે વાંચતા પણ આવડતું નથી.
હું છેલ્લાં 4 વર્ષથી UPSCની તૈયારી કરતી હતીઃ કંચન ગોહિલ
મૂળ ગીર સોમનાથ જિલ્લા અને હાલ અમદાવાદમાં રહેતી કંચન માનસિંહ ગોહિલે UPSCમાં 506મો રેન્ક મેળવ્યો છે. છેલ્લાં 4 વર્ષથી UPSCની તૈયારી કરતી કંચન ગોહિલે બીજા પ્રયત્ને જ UPSC પાસ કરી લીધી છે. તેણે વર્ષ 2022માં પ્રથમ વખત પ્રીલિમ પરીક્ષા આપી હતી, જોકે એમાં પાસ ન થઈ હોવાથી ફરીથી વધુ મહેનત સાથે આ વખતે પરીક્ષા આપીને સફળતા મેળવી છે, પરંતુ 506 રેન્ક આવ્યો હોવાથી રેન્ક સુધારવા માટે વધુ એકવાર પરીક્ષા આપશે.
મારાં માતાને તો લખતા-વાંચતા પણ નથી આવડતું’
આ અંગે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કંચન ગોહિલે જણાવ્યું હતું કે અમે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વતની છીએ. મારા પિતા ખેડૂત છે અને હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું. જ્યારે પરિવારમાં માતા-પિતા અને બે નાનાં ભાઈ-બહેન છે. મારો નાનો ભાઈ એન્જિનિયરિંગ કરે છે અને બહેન પારુલ યુનિવર્સિટીમાંથી આયુર્વેદિકનો અભ્યાસ કરે છે. મારા પિતા માનસિંહ કોડીનારમાં જ ખેતીકામ કરે છે અને તેઓ ફક્ત 10 ધોરણ જ પાસ છે. જ્યારે માતા દૂધીબહેન ક્યારેય સ્કૂલે ગયાં જ નથી. મારી માતાને લખતા-વાંચતા પણ આવડતું નથી.
કોડીનારમાંથી મેળવ્યું પ્રાથમિક શિક્ષણ
કંચન ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ કોડીનારમાંથી જ પ્રાપ્ત કર્યું હતું. ત્યાર બાદ રાજકોટ ખાતે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વધુ અભ્યાસ માટે અમદાવાદ આવ્યા હતા, જ્યાં ગુજરાત યુનિવર્સિટીમાંથી બીએ પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો હતો. ધોરણ 12માં સાયન્સ લીધા બાદ એક ગ્રુપ લઈ અભ્યાસ શરૂ કર્યો તો ખ્યાલ આવ્યો કે મારો રસનો વિષય હ્યુમન સર્વિસ છે, તેથી ધોરણ 12માં સાયન્સ લીધા બાદ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. ગ્રેજ્યુએશન સમયે જ UPSC માટે તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને વર્ષ 2022માં પ્રથમ પ્રયાસ કર્યો હતો, પરંતુ એની પ્રીલિમ પરીક્ષામાં જ પાસ ન થતાં ફરીથી મહેનત શરૂ કરી દીધી અને આ વખતે પ્રીલિમ્સ અને મેઈન્સ પૂર્ણ કર્યા બાદ 506મો રેન્ક પ્રાપ્ત કર્યો છે.
દીકરીની માતા દૂધીબેને જણાવ્યું હતું કે ખૂબ આનંદ છે. માતાજીની દયા છે. તેણે સાહસ કર્યું તો તે આગળ આવી. અમે કોઈના લગ્નપ્રસંગમાં પણ ગયા નહોતા. તેમની પાછળ ખૂબ મહેનત કરી હતી.
મૂળ અમરેલી જિલ્લાના જીરા ગામના જૈનિલે બે પ્રયાસ બાદ મેળવી સફળતા
જ્યારે જૈનિલ દેસાઈએ દેશભરમાં 490મો રેન્ક મેળવીને પરિવાર અને સુરતનું નામ રોશન કર્યું છે. મૂળ અમરેલી જિલ્લાના જીરા ગામના જૈનિલ દેસાઈ સુરતમાં પરિવાર સાથે રહે છે. પિતા એમ્બ્રોઇડરી વ્યવસાય સાથે સંકળાયેલા છે. SVNITમાં મિકેનિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો છે. આ સાથે યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી હતી.
જૈનિલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે UPSCમાં બે પ્રયાસ કર્યા હતા, જેમાં હું એકમાં ઇન્ટરવ્યૂ સુધી પણ પહોંચ્યો હતો. જોકે નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન વધારે મહેનત કરીને ત્રીજો પ્રયાસ કર્યો હતો અને એમાં મને સફળતા મળી છે. યુપીએસસી સાથે બીજી પણ મેં એક એક્ઝામ ફોરેસ્ટ વિભાગની આપી હતી. મેં ગત વર્ષે આ પરીક્ષા પાસ કરી હતી. જેથી હું હાલ વન વિભાગની ટ્રેનિંગ માટે દેહરાદૂન છેલ્લા પાંચ મહિનાથી છું. મારી ઈચ્છા આઈએએસ બનવાની છે. હવે જે સર્વિસ આપવામાં આવશે એના પર વિચાર કર્યા બાદ એનો સ્વીકાર કરવો કે નહીં એ અંગે નક્કી કરીશ.
વ્હોટ્સએપનો ઉપયોગ નહોતી કરતી, મેં પિતાનું સપનું પૂર્ણ કર્યુંઃ સમીક્ષા ઝા
દેશભરમાં 362મો અને ગુજરાતમાં 7મો નંબર મેળવનાર સમીક્ષા ઝાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મારો બીજો પ્રયત્ન હતો. અપેક્ષા નહોતી પણ હવે અમે બધા ખુશ છીએ. મેં મારા પિતાની દીકરીને IPS બનાવવાની અપેક્ષા પૂર્ણ કરી છે. યુપીએસસી કરવાની ઇચ્છા જાગી હતી તેથી તેના માટેની તૈયારીઓ શરૂ કરી હતી. મેં ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપ લીધું હતું. ત્યારબાદ ચાંદખેડાની વિશ્વકર્મા કોલેજ માં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગ્રેજ્યુએશનની સાથે સાથે છેલ્લા વર્ષથી UPSCની તૈયારીઓ શરૂ કરી હતી. આ અગાઉ વર્ષ 2022માં મારો પ્રથમ અટેમ્પ્ટ આપ્યો હતો જેમાં પ્રિલિમમાં પાસ ન થઈ શકી હતી તેથી વધુ મહેનત સાથે આ વખતે પરીક્ષા આપી જેમાં મેં 362 રેન્ક મેળવ્યો છે. હું રોજ 9 કલાક સુધી વાંચતી હતી. હવે આગળ ભવિષ્યમાં મારા વ્યક્તિત્વનુસાર આઇપીએસ તરીકે હું સારી રીતે ફરજ બજાવી શકીશ તેવું મને લાગે છે તેથી આઈપીએસ બનવાનો પ્રયત્ન કરીશ. હું વ્હોટ્સએપનો પણ ઉપયોગ કરતી નહોતી. મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે પણ તેનો ઉપયોગ કરતી નહોતી.
UPSCનું પરિણામ જાહેર થયા બાદ ઘરે પરિવારજનો સાથે સમીક્ષા ઝા.
આદિત્ય શ્રીવાસ્તવ ટોપર
UPSCમાં આદિત્ય શ્રીવાસ્તવે ટોપ કર્યું છે, જ્યારે અનિમેષ પ્રધાને બીજું અને ડોનુરુ અનન્યા રેડ્ડીએ ત્રીજું સ્થાન મેળવ્યું છે. યુપીએસસીની આ પરીક્ષાઓમાં ભારતીય વહીવટી સેવા (IAS) માટે કુલ 180 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય પોલીસ સેવા એટલે કે IPS માટે 200 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભારતીય વિદેશ સેવા (IFS) માટે 37 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે, જ્યારે કેન્દ્ર સરકારની વિવિધ ગ્રુપ Aની જગ્યાઓ પર 613 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે. ગ્રુપ બીની જગ્યાઓ પર 113 ઉમેદવારની પસંદગી કરવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં બીજો અને દેશમાં 43મોં ક્રમ હાંસલ કરનાર ઠાકુર અંજલિ અજય.
તમામ ઉમેદવાર સ્પીપાના, મુખ્યમંત્રીએ પાઠવી શુભકામના
ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-યુપીએસસી દ્વારા લેવામાં આવતી IAS, IPS, IFS સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા)કાર્યરત છે. આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વિસિસ પરીક્ષા-2023ના જાહેર થયેલા અંતિમ પરિણામમાં સ્પીપાના 25 ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે. આ ઉમેદવારો સિવિલ સર્વિસિસની IAS, IPS, IFS જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પસંદગી પામેલા આ યુવાઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવવા સાથે ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છાઓ પણ આપી છે. સ્પીપા ખાતે યુપીએસસી સ્ટડી સેન્ટર 1992થી કાર્યરત છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 285 ઉમેદવારો યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષામાં અંતિમ પસંદગી પામ્યા છે. જેમાં આ વર્ષે સૌથી વધુ એટલે કે 25 ઉમેદવારો પસંદ થયા છે.
આ 25 ગુજરાતી થયા ઉત્તીર્ણ
ઉત્તીર્ણ ઉમેદવાર | રેન્ક |
વિષ્ણુ શશિ કુમાર | 31 |
ઠાકુર અંજલિ અજય | 43 |
અતુલ ત્યાગી | 62 |
પટેલ મિતુલ કુમાર અશ્વિનભાઈ | 139 |
રમેશચંદ્ર વર્માં | 150 |
પટેલ અનિકેત કમલેશભાઈ | 183 |
ઝા સમીક્ષા સત્યેન્દ્ર | 362 |
પટેલ હર્ષ રાજેશ કુમાર | 392 |
ચંદ્રેશ શાંકલા | 432 |
કરણકુમાર પન્ના | 486 |
પટોળિયા રાજ | 488 |
દેસાઈ જૈનિલ | 490 |
કંચન માનસિંહ ગોહિલ | 506 |
સ્મિત નવનીત પટેલ | 562 |
અમરાની આદિત્ય સંજય | 702 |
દીપ રાજેશ પટેલ | 776 |
નીતિશ કુમાર | 797 |
ઘાંચી ગઝાલા | 825 |
અક્ષય દિલીપ લંબે | 908 |
કિશન કુમાર જાદવ | 923 |
પાર્થ યોગેશ ચાવડા | 932 |
પારગી કેયૂર દિનેશભાઈ | 936 |
મીણા માનસી આર. | 946 |
ભોજ કેયૂર મહેશભાઈ | 1005 |
ચાવડા આકાશ | 1007 |
આ ચાર સર્વિસમાં પસંદગી
1. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (IAS)
2. ઇન્ડિયન ફોરેન સર્વિસ(IFS )
3. ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS)
4. સેન્ટ્રલ સર્વિસીઝ, ગ્રુપ એ અને બી